કોંગ્રેસ નેતા જયરામ રમેશે CBI ડાયરેક્ટર સુબોધ જયસ્વાલને પત્ર લખ્યો છે. જેમાં જયરામે માંગ કરી છે કે મેઘાલયની અગાઉની કોનરાડ સંગમા સરકાર ‘ભ્રષ્ટ’ હોવાના નિવેદન માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બોલાવવામાં આવે અને તેમણે જે માહિતી અને તથ્યોના આધારે આવો દાવો કર્યો હતો એની તપાસ કરવામાં આવે. કોનરાડ સંગમાની સરકારને ભાજપનું સમર્થન હતું. અગાઉ ચૂંટણીમાં ભાજપના નેતાએ કોનરાડ સરકારને સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી.
જયરામ રમેશે કહ્યું છે કે સીબીઆઈ ડાયરેક્ટર સુબોધ કુમાર જયસ્વાલ અમિત શાહ દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ થવી કરાવે. જયરામ રમેશે આ પત્ર 21 માર્ચે લખ્યો હતો અને જયરામ રમેશે તેની કોપી ટ્વિટર પર શેર કરી છે. તેમણે તેમાં લખ્યું, “હું તમને જણાવવા માંગુ છું કે 17 ફેબ્રુઆરી 2023ના રોજ અમિત શાહે તેમની એક જાહેરસભામાં કહ્યું હતું કે તત્કાલીન મેઘાલય સરકાર સૌથી ભ્રષ્ટ સરકાર છે.”
સીબીઆઈને પત્ર લખ્યો
જયરામ રમેશે દાવો કર્યો છે કે અમિત શાહ ભારત સરકારમાં ગૃહમંત્રી છે, તેથી તેમની પાસે એવી માહિતી અને તથ્યો હોવા જોઈએ જેના આધારે તેઓ આવા નિષ્કર્ષ પર પહોંચ્યા હશે. અમિત શાહ તત્કાલીન મેઘાલય સરકારના ભ્રષ્ટ વ્યવહારો અને પ્રવૃત્તિઓ અંગે પગલાં લેવામાં નિષ્ફળ ગયા તેના કેટલાક કારણો હોવા જોઈએ.”
અમિત શાહને બોલાવવામાં આવે
જયરામ રમેશે પોતાના પત્રમાં લખ્યું છે કે હું તમને રાષ્ટ્રીય હિતમાં વિનંતી કરું છું કે અમિત શાહને બોલાવવામાં આવે અને તેમને તે તમામ માહિતી અને તથ્યો આપવા માટે કહેવામાં આવે કે જેના આધારે તેમણે આવું આકલન કર્યું હતું. પછી આ મામલે તપાસ કરવામાં આવે.
કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે હું તમને એ પણ તપાસ કરવા વિનંતી કરું છું કે શું અમિત શાહ પર તેમની પાર્ટી અથવા અન્ય દળોનું કોઈ દબાણ હતું કે જેના કારણે તેમણે અગાઉની મેઘાલય સરકારના ભ્રષ્ટાચારની માહિતી દબાવી હતી.