ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવારનવાર દારૂ પકડાતો રહે છે. ક્યારેક રાજસ્થાન બોર્ડરથી તો ક્યારેક કોઈ અન્ય જગ્યાએથી. ત્યારે હવે મહારાષ્ટ્રથી દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરાયો હતો, જેને હાલમાં તો LCBએ નિષ્ફળ બનાવ્યો છે. LCB એ વલસાડ જિલ્લાની ભિલાડ RTO ચેકપોસ્ટ ઉપરથી એક કારમાંથી 36 બોક્સમાં 552 બોટલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી છે. જેની તપાસમાં મહારાષ્ટ્રના વલસાડ પોલીસને મહારાષ્ટ્ર પોલીસ ના એક PSIની સંડોવણી સામે આવી છે. પોલીસે PSI સહિત ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસ વિભાગમાંથી મળતી માહિતી મુજબ વલસાડ LCBની ટીમ ભિલાડ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન એક કાર મહારાષ્ટ્ર તરફથી દારૂનો જથ્થો ભરી, ભીલાડ થઈ સુરત તરફ જવાની હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે LCB ની ટીમેં ભીલાડ RTO ચેકપોસ્ટ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા, કારને અટકાવી તપાસ કરતા, કારની પાછળની સીટ નીચે તથા સીટ ઉપરથી 36 બોક્સમાં 552 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. LCB ની ટીમે દારૂના જથ્થા સાથે પકડાયેલ વડોદરાના નલીન રણછોડ વરિયા અને નીરવ ઉર્ફે પીન્ટુ મધુસુદન દેસાઈની અટકાયત કરી પૂછપરછ કરી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં મહારાષ્ટ્રના PSI નો પણ હાથ છે. તલાસરીના પોલીસ સ્ટેશનના PSI ધાંગડે ને ફોન કરતા તેના માણસે દારૂનો જથ્થો ભરાવી આપ્યો હોવાનું અને જથ્થો અર્જુન નામના ઈસમને પહોંચાડવાના હોવાનું જણાવ્યું હતું. એલસીબીની ટીમે 2,77,200નો દારૂ 5 લાખની કાર મળી કુલ 7,87,200 રૂપિયાનો મુદ્દા માલ કબજે લઈ, દારૂ ભરાવનાર તલાસરીના પી.એસ.આઇ ધાંગડે, તેનો માણસ અને દારૂ મંગાવનાર અર્જુનને વોન્ટેડ જાહેર કરી ભીલાડ પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.