સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે શનિવારે ડેનિલ મેદવેદેવને હરાવીને એડિલેડ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. જોકોવિચે આ મેન્સ સિંગલ્સની સેમિફાઇનલ મેચ સીધા સેટમાં 6-3, 6-4થી જીતી હતી. ઓસ્ટ્રેલિયામાં જોકોવિચની આ સતત 33મી જીત છે. તે છેલ્લે 2018માં ઓસ્ટ્રેલિયન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં હ્યોન ચુંગ સામે હારી ગયો હતો.
મેચ દરમિયાન જોકોવિચને પગમાં ઈજા થઈ હતી, પરંતુ તેનાથી તેના પ્રદર્શન પર કોઈ અસર થઈ ન હતી અને તે જીતી ગયો હતો. જોકોવિચ પ્રથમ સેટની સાતમી રમત દરમિયાન લપસી ગયો હતો અને તેના ડાબા પગમાં હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી.
જોકોવિચ મેડિકલ સમય લઈને આ ઈજામાંથી સાજો થઈ ગયો. જોકોવિચે મેચ બાદ કહ્યું હતું કે આ કોઈ ગંભીર ઈજા નથી અને હું ફાઈનલ માટે તૈયાર છું. ફાઇનલમાં જોકોવિચનો મુકાબલો સેબેસ્ટિયન કોર્ડા સાથે થશે.
લિજેડ્સ લીગની નવી સીઝન કતારમાં રમાશે
લિજેન્ડ્સ લીગ ક્રિકેટની નવી સીઝન આ વખતે ભારતના બદલે કતારમાં રમાશે. તાજેતરમાં કતારમાં જ ફિફા વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે ક્રિકેટના જૂના દિગ્ગજો અહીં ચોગ્ગા અને છગ્ગા મારતા જોવા મળશે. T20 લીગ મેચો 27 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી યોજાવાની છે. જેમાં કુલ 8 મેચો રમાશે. ગૌતમ ગંભીર ઉપરાંત ઈરફાન પઠાણ, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી, શોએબ અખ્તર, ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેટ લી, શેન વોટસન અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને લેન્ડલ સિમન્સ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
T20 લીગની પ્રથમ સિઝનની જેમ આ વખતે પણ 3 ટીમો રમતા જોવા મળશે. આ ટીમ ઈન્ડિયા મહારાજા, એશિયા લાયન્સ અને વર્લ્ડ જાયન્ટ્સ છે. કતાર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શેખ અબ્દુલ અઝીઝ બિન સાઉદ અલ થાનીએ જણાવ્યું હતું કે, “અમે કતાર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત લિજેન્ડ્સ લીગ ક્રિકેટની નવી સીઝનનું આયોજન કરવા માટે ઉત્સાહિત છીએ. અમે હંમેશા રમતગમતમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્નશીલ છીએ અને કતારને રમતગમત માટે શ્રેષ્ઠ સ્થળ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.