આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના વડા ચંદ્રાબાબુ નાયડુની રેલીઓ લોકોના જીવન પર ભારે પડી રહી છે. ચંદ્રાબાબુ નાયડુ જયારે પણ રાજ્યની સત્તા પોતાને સ્થાપિત કરવા માટે મેગા રેલી કરી રહ્યા છે ત્યારે નાસભાગ મચી રહી છે. બે રેલીઓમાં અત્યાર સુધીમાં કુલ 8 લોકોએ જીવ ગુમાવી ચુક્યા છે. તેમની લોકપ્રિયતાની સ્થિતિ એવી છે કે આંધ્રપ્રદેશ પોલીસ ભીડને સંભાળવામાં ખરાબ રીતે નિષ્ફળ થઈ રહી છે. ચંદ્રબાબુ નાયડુના કાર્યક્રમમાં એક અઠવાડિયામાં બીજી વખત ભાગદોડ મચી ગઈ, જેમાં 3 લોકોના મોત થયા છે. આ ઘટના ગુંટુરમાં બની છે. એક અઠવાડિયામાં આ પ્રકારની આ બીજી ઘટના છે.

28મી ડિસેમ્બરે કંદુકુરમાં યોજાયેલી રેલીમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ચંદ્રબાબુ નાયડુ કંદુકુરમાં રોડ શો કરી રહ્યા હતા, જ્યારે તેમનો કાફલો ગુડમ સીવેજ કેનાલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે નાસભાગ મચી ગઈ, જેમાં ઘણા કાર્યકર્તાઓ કેનાલમાં પડી ગયા હતા. આ દુર્ઘટનામાં કુલ 8 લોકોના મોત થયા, જયારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા હતા.

ગુંટુરના એસપી આરિફ હાફીઝે જણાવ્યું હતું કે, “ગુંટુર જિલ્લામાં ટીડીપી નેતા એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા આયોજિત જાહેર સભા દરમિયાન ત્રણ લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.”

કેવી રીતે ઘટી દુર્ઘટના? 

ગુંટુરમાં આ ઘટના ત્યારે બની જ્યારે ટીડીપી એક સંગઠનની મદદથી એનટીઆર જનતા વસ્ત્રાલુ અને ચંદ્રના કનુકાના નામે સંક્રાંતિની ભેટ વહેંચી રહ્યા હતા. મોટી સંખ્યામાં મહિલાઓ ભેટ લેવા માટે કતારમાં ઉભી હતી. કેટલીક મહિલાઓએ કતાર તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓએ સરકારી જનરલ હોસ્પિટલમાં દમ તોડી દીધો.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. એક અધિકારીએ જણાવ્યું કે નાસભાગ બાદ તરત જ કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો હતો. ટીડીપી નેતાઓએ કહ્યું કે જે લાભાર્થીઓને ટોકન આપવામાં આવ્યા હતા તેમના ઘરે કિટનું વિતરણ કરવામાં આવશે.

મૃતકના પરિવારને મળશે વળતર 

ટીડીપીએ મૃતકોના પરિવારોને 24 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી, જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પ્રત્યેકને 2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.

શા માટે ચંદ્રાબાબુ નાયડુની રેલીઓ જીવલેણ સાબિત થઈ રહી છે?

તેલુગુ દેશમ પાર્ટી ફરી એકવાર રાજ્યમાં પોતાને સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે. YSR કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ રણનીતિ તૈયાર કરનાર ચંદ્રાબાબુ નાયડુ ફરી એકવાર જાહેર સભાઓ દ્વારા જનતાને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ભીડને એકત્ર કરવામાં સફળ રહ્યા છે. તેમની જાહેર સભાઓમાં ભારે ભીડ હોય છે. ચંદ્રબાબુ નાયડુની લોકપ્રિયતા લોકોના જીવન પર ભારે પડી રહી છે.

You missed