પોરબંદર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાયબ પોલીસ અધિક્ષક નિલમબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ. આર. એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ મહિલા જાગૃતિ અને સ્વરક્ષણ માટે સુરક્ષાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને કાયદાકીય સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં જાતીય હસાના બનાવો ન બને અને વિદ્યાર્થિનીઓને `ગુડ ટચ, બેડ ટચ’ શું કહેવાય તે વિશે સમજ મળે તે માટે મહિલા પોલીસ સ્ટેશન દ્વારા પોરબંદર શહેરની બાલુબા સહિતની અલગ અલગ શાળાઓમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાજેતરમાં જ પોરબંદર પોલીસ દ્વારા સ્વરક્ષણની તાલીમ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મહિલા પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ હવે શાળા-કોલેજની વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણને લગતી વિવિધ માહિતી આપવામાં આવી હતી. તેમજ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ સ્ત્રી અત્યાચાર અને જાતીય સતામણી અંગે મુંઝવતા પ્રશ્નો અંગે વાચા આપી પોલીસને જાણ કરવા અંગે જાગૃતિ લાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓ પોતાના પ્રશ્નો ઉજાગર કરી તેમને મુંઝવતા પ્રશ્નોને વાચા આપી કોઇપણ ડર વિના પોલીસનો સંપર્ક કરવા મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થિનીઓને સમજણ આપવામાં આવી હતી.