શું તમે પણ માનો છો કે વર્ષમાં એકવાર લિવરને ડિટોક્સ કરવાની જરૂર હોય છે. શિકાગો ખાતેની રસ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં લિવર સ્પેશિયાલિસ્ટ ડો. નેન્સી રિઉના અનુસાર જો તમે તંદુરસ્ત છો અને ખાણીપીણી સંતુલિત છે તો કોઈ ડિટોક્સની જરૂર નથી. લિવર જાતે જ શરીરને ડિટોક્સ કરવાનું સૌથી મહત્ત્વપૂર્ણ ટૂલ છે. હા, કેટલીક એવી રીતો જરૂર છે, જેને અપનાવીને લિવરની કાર્યપદ્ધતિમાં વધુ સુધારો કરી શકાય છે. જેમકે દારૂ લિવરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. જો તેના પર નિયંત્રણ રાખો છો તો લિવરને તંદુરસ્ત રાખી શકાય છે. આ ઉપરાંત કેટલાક એવાં પીણાં છે જેમને દિનચર્યામાં સામેલ કરવાથી લિવરની કાર્યપદ્ધતિ સુધરે છે.
ગ્રીન ટી અને કોફી ફાયદાકારક એકેડમી ઓફ ન્યૂટ્રિશન એન્ડ ડાઈટેટિક્સના પ્રવક્તા મેલિસા પ્રેસ્ટના અનુસા૨ દિવસમાં ચાર કપ કે તેનાથી વધુ ખાંડ વગરની ગ્રીન ટી પીવાથી લિવર કેન્સરનું જોખમ ઘટે છે. આ જ રીતે કોફીથી સિરોસિસનું જોખમ ઘટે છે.
તો લિવરડિ ટોક્સ માટે શું પીવું?
પાણી એક એવો પદાર્થ છે જે લિવરને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. જો લિવરને ડિટોક્સ કરવા માગો છો તો રોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. લિવર એક એવું અંગ છે જે નાની-મોટી ખામીને જાતે જ રિપેર પણ કરી લે છે.
જ્યુસ લિવરને ડિટોક્સ કરે છે?
ના, લિવર હીલિંગ ડાયેટ પુસ્તકના લેખિકા ડો. મિશેલ લાઈના અનુસાર બજારમાં એવું કોઈ જ્યુસ કે ફૂડ નથી જે લિવરને ક્લીન કે રિપેર કરે છે. લિવર શરીરનું પાવર હાઉસ છે, સંતુલિત ભોજન જ લિવરની કાર્યપદ્ધતિને સપોર્ટ કરી શકે છે.