તાજેતરમાં જસદણ નાયબ કલેકટર સહિતનાઓ દ્વારા સિવિલમાં ઓક્સિજન પ્લાન્ટ, બેડની સક્ષમતાની ચકાસણી કરી હતી ત્યારે આ ભંગાર સ્વરૂપે પડેલી બોટલો કેમ તેમના ધ્યાને ન આવી!.કોરોનાના ઓમિક્રોન પછીના નવા અને વધુ પાવરફૂલ વેરિઅન્ટ બીએફ 7 સાથે ત્રાટકવાની અને કેસ વધવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તાજેતરમાં જસદણમાં પણ આ બધી બાબતે આરોગ્ય તંત્ર અને રોગી કલ્યાણ સમિતિ તેમજ વહીવટી તંત્રની સંકલન બેઠક મળી હતી અને ઉપલબ્ધ સાધનોની સમીક્ષા કરાઈ હતી. જસદણ સરકારી હોસ્પિટલ ખાતે રોગી કલ્યાણ સમિતિ અને તાલુકા હેલ્થ વિભાગ અને વહીવટી તંત્રની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં જો કોરોના મહામારીની આફત આવી પડે તો આરટીપીસીઆર લેબ, ઓક્સિજન પ્લાન્ટ, સિવિલ હોસ્પિટલમાં બેડ વગેરેની શી તૈયારી છે અને વધારાની કોઈ જરૂરિયાત હોય તો તેનું શું આયોજન છે. તે અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને એવો નિષ્કર્ષ આવ્યો હતો કે ઓક્સિન પ્લાન્ટ તૈયાર છે, જરૂર પડશે તો વધારાના બેડ પણ ઉભા કરી દેવાશે તેમજ ટેસ્ટિંગ વધારવાની તૈયારી કરી રાખી છે. તે બેઠકમાં જસદણના નાયબ કલેકટર, મામલતદાર, હેલ્થ ઓફિસર, આરોગ્ય વિભાગ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે સવાલ એ થાય છે કે, હાલ જસદણની સિવિલ હોસ્પિટલના એક ખંઢેર રૂમમાં છેલ્લા ઘણા સમયથી 15 જેટલી ઓક્સિજનની બોટલો ભંગાર સ્વરૂપે ધૂળ ખાઈ રહી છે. તો જ્યારે જસદણની સિવિલ હોસ્પિટલમાં સંકલન બેઠક યોજવામાં આવી હતી ત્યારે શું આ ખંઢેર રૂમમાં પડેલી 15 જેટલી ઓક્સિજનની બોટલો ઉપસ્થિત અધિકારીઓને ધ્યાને આવી ન હતી?. શું તે સંકલન બેઠક માત્ર ઉચ્ચ અધિકારીઓને રાજી રાખવા માટે જ યોજવામાં આવી હતી?. કે પછી જસદણમાં કોરોનાના કેસ વધશે પછી જ આરોગ્ય અને વહીવટી તંત્ર ઓક્સિજનની બોટલો રીપેર કરવા માટે દોડશે એતો આવનારો સમય જ બતાવશે.કોરોના મહામારી આવ્યા પછી નેતાઓ અને ડોકટરો દોડાદોડી કરશે તો તેમાં દર્દીઓ હેરાન થશે: ધીરૂભાઈ છાયાણી-જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે કોરોના મહામારીમાં સરકાર દવાઓ, ઓક્સિજનની બોટલો સહિતનો પુરતો સ્ટોક હોસ્પિટલમાં ફાળવેલ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ જસદણની સિવિલ હોસ્પિટલમાં જે ઓક્સિજનનો પ્લાન્ટ છે તેના બાટલા હાલ ખંઢેર હાલતમાં પડેલા જોવા મળી રહ્યા છે. ખરેખર આ તમામ બાટલાઓને સાફસુફ રાખી યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ અને હોસ્પિટલમાં પુરતો સ્ટાફ હોવો જોઈએ. કોરોના મહામારી આવ્યા પછી નેતાઓ અને ડોકટરો દોડાદોડી કરશે તો તેમાં દર્દીઓ હેરાન થશે. અત્યારે જસદણ સિવિલમાં પૂરતા ડોકટરોનો સ્ટાફ પણ નથી અને પૂરતા સાધનો પણ નથી. જેથી જેતે જવાબદાર અધિકારી દ્વારા કોરોના મહામારી પૂર્વે આ ખંઢેર હાલતમાં પડેલા ઓક્સિજનના બાટલાઓની સાફ-સફાઈ કરી યોગ્ય જગ્યાએ તેને રાખવાની કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ છે. તે બાટલાઓને રીપેરીંગ માટે મોકલવાના છે: આર.એમ.મૈત્રી-અધિક્ષક,સિવિલ હોસ્પિટલ,જસદણ.અત્યારે અમારી પાસે ઓક્સિજનના 50 જેટલા બાટલાની વ્યવસ્થા છે. પણ અમુક રીપેરીંગ કરવાના હોવાથી અલગ રાખેલ છે. અમારી પાસે 20 નવા અને 30 જેટલા જુના બાટલા છે. અત્યારે જે બાટલા પડ્યા છે તેને રીપેરીંગ માટે મોકલવાના છે. જે બાટલા પડ્યા છે તેમાંથી 10 થી 12 જેટલા બાટલા રીપેર થઈ શકે તેમ છે.