રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ આવતા મહિને જમ્મુ-કાશ્મીર પહોંચશે. રાજ્યમાં યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોમવારે (26 ડિસેમ્બર) ના રોજ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળ્યા અને યાત્રાની સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરી. લેફ્ટનન્ટ ગવર્નર વતી યાત્રાને સુરક્ષા આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

કાશ્મીરની યાત્રામાં વિરોધ પક્ષોના નેતાઓ પણ જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરમાં વિપક્ષના તમામ નેતાઓને યાત્રામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. નેશનલ કોન્ફરન્સના નેતાઓ ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા, પીડીપી ચીફ મહેબૂબા મુફ્તી અને સીપીએમ નેતા એમવાય તારીગામી ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે.

ફારુક-મહેબૂબા કાશ્મીરમાં યાત્રામાં જોડાશે!

કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલને ટાંકીને એક ન્યૂઝ એજન્સીએ આ માહિતી આપી છે. KC વેણુગોપાલે જણાવ્યું હતું કે, “નેશનલ કોન્ફરન્સના નેતાઓ ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા, PDP ચીફ મહેબૂબા મુફ્તી અને CPM નેતા એમવાય તારીગામી પણ આ યાત્રામાં જોડાશે.”

લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સાથે મુલાકાત

આ પહેલા કોંગ્રેસના નેતાઓએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે મુલાકાત કરી હતી. 26 ડિસેમ્બરે કોંગ્રેસ મહાસચિવ સંગઠન કેસી વેણુગોપાલ, જમ્મુ-કાશ્મીરના પાર્ટી પ્રભારી રજની પાટિલ અને પાર્ટીના નેતા વિકાર રસૂલ વાની સાથે ગુલામ અહમદ મીર લેફ્ટનન્ટ ગવર્નરને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ એલજી સિંહાને યાત્રા માટે વહીવટીતંત્રનો સહયોગ માંગ્યો હતો. કેસી વેણુગોપાલે ટ્વીટ કરીને લેફ્ટનન્ટ ગવર્નર સાથેની મુલાકાતની જાણકારી આપી હતી.

કન્યાકુમારીથી કાશ્મીર જશે યાત્રા 

કોંગ્રેસની ભારત જોડો યાત્રા લગભગ 3000 કિલોમીટર ચાલીને 24મી ડિસેમ્બર એટલે કે ગયા શનિવારે રાજધાની દિલ્હી પહોંચી. આ યાત્રા 107 દિવસમાં લગભગ 3 હજાર કિમીની સફર પૂરી કરીને શનિવારે એટલે કે 108મા દિવસે દિલ્હીમાં પ્રવેશી છે. ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બર, 2022 ના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં તે 9 રાજ્યોમાંથી પસાર થઈ છે. શેડ્યૂલ અનુસાર રાહુલ ગાંધીનો કાફલો જમ્મુ-કાશ્મીરના શ્રીનગર પહોંચવાનો છે, જેના માટે તેમણે 500 કિલોમીટરથી વધુની યાત્રા કરવી પડશે.

You missed