કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે શનિવારે કહ્યું કે એક વ્યક્તિના જીવનની રક્ષા થવી જોઈએ, ભલે આ માટે એક ડઝન ઓફિસ બંધ કરવી પડે. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના ખતરાનો સામનો કરી રહેલા કાશ્મીરી પંડિત કર્મચારીઓની ઘાટીમાંથી બદલીના મુદ્દે સરકારના વલણમાં નરમાઈનો સંકેત આપતા સિંહે આ વાત કહી.
વિપક્ષી પાર્ટીઓ પર નિશાન સાધતા તેમણે આરોપ લગાવ્યો કે તેઓ અમાનવીય હદે તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે આ પક્ષો માત્ર લોકો વચ્ચે ભેદભાવ નથી કરતા, પરંતુ વોટ માટે અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય બોર્ડર વચ્ચે ભેદભાવ કરવાની હદ સુધી પણ ગયા હતા.
અહીં કઠુઆમાં પત્રકારો સાથે વાત કરતા મંત્રીએ કહ્યું કે માનવ જીવનથી વધુ મૂલ્યવાન કંઈ હોઈ શકે નહીં. મંત્રીએ કહ્યું કે જો એક પણ વ્યક્તિના જીવને ખતરો હોય તો તેના જીવની રક્ષા કરવી જોઈએ, ભલે આ માટે એક ડઝન ઓફિસો બંધ કરવી પડે.
જિતેન્દ્ર સિંહ કઠુઆમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જલોટા વિસ્તારમાં બખ્તાથી મગલુર જતા રોડનો શિલાન્યાસ કરવા માટે હતા. શિલાન્યાસ સમારોહ બાદ તેમણે અહીં એક જાહેર સભાને પણ સંબોધિત કરી હતી.