રાજ્ય સરકારે કોરોના સબંધી પગલા ભરવાના આદેશ કરતા સમગ્ર રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયુ છે. ચાઈના સહીતના દેશોમાં કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈ રાજ્યભરમાં અત્યારથી જ કોરોના સામે લડવાની તૈયારીઓ આરંભી દેવાઈ છે.
….જેના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં કલેકટર કચેરી ખાતે પણ કોરોનાના ખતરાને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કોરોનાના ખતરા સામે જિલ્લા આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ચીન સહીતના દેશોમાં કોરોનાના કેસો વધતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ એડવાઈઝરી જાહેર કરતા જ સમગ્ર દેશ એક્શન મોડમાં આવી ગયો છે. જેના પગલે રાજ્ય આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે. અગાઉના સમયની કોરોનાની લહેરમાં થયેલા મૃત્યુ આંક આ વખતે ન થાય તે માટે કોરોના સામે વહેલાસર જ લડત આપવાની તૈયારી રાજ્યભરમાં થવા લાગી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રાજય સરકારે આદેશ કરતા જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીએ જિલ્લાની સરકારી હોસ્પીટલો, પીએચસી, સીએચસીના મેડીકલ ઓફીસરોની તાકીદની બેઠક બોલાવી હતી. જેમાં ડોકટરોને જરૂરી સુચના આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરીમાં પણ ઈન્ચાર્જ કલેકટર પી.એન.મકવાણાના અધ્યક્ષસ્થાને કોરોના સામે આગોતરા પગલાના આયોજન સ્વરૂપે બેઠકનું આયોજન કરાયુ હતુ. જેમાં આરોગ્ય વિભાગે પ્રિકોશન ડોઝના આંકડાઓ રજુ કર્યા હતા. સમગ્ર રાજયમાં જ્યાં 30 ટકા લોકોએ જ પ્રીકોશન ડોઝ લીધા છે. તેની સામે ઝાલાવાડમાં કોરોનાના પ્રીકોશન ડોઝ લેનાર વ્યક્તિઓનું પ્રમાણ 38થી 40 ટકા હોવાનું જણાવાયુ હતુ. બીજી તરફ કોરોના આવે તો હોસ્પીટલોમાં બેડની સુવીધા, ઓક્સિજનની સુવીધા બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પીટલ ખાતે હાલ કોરોનાનો વોર્ડ કાર્યરત છે જ. પરંતુ જો જરૂર પડે તો લીંબડી, ચોટીલા અને ધ્રાંગધ્રાની સબ હોસ્પીટલો અને સામુહીક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ કોવિડ વોર્ડ શરૂ કરવાની કવાયત હાથ ધરાઈ છે. આમ, કોરોનાના સંભવીત ખતરા સામે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ હાલ સજ્જ બન્યુ છે.