હિંમતનગરના વાઘેલાવાસમાં અદાવતમાં ધિંગાણું, 22 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
હિંમતનગર શહેરના વાઘેલાવાસમાં બુધવારે રાત્રે પંદરેક દિવસ અગાઉ વરઘોડા દરમિયાન થયેલ બોલાચાલીની અદાવત રાખી બે જૂથો સામસામે આવી જતાં પથ્થર મારો થવા સહિત લાકડીઓ ઉડી હતી. જેમાં કેટલાક લોકોને ઇજાઓ થવા સહિત વાહનોને પણ નુકસાન થયું હતું. પોલીસે 22 થી વધુ શખ્સો વિરુદ્ધ એટ્રોસીટી રાયોટિંગ સહિતનો ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.
હિંમતનગર શહેરના રૂષિનગરમાં રહેતા ઉત્પલકુમાર સુરેશભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે પંદરેક દિવસ પહેલા રાત્રે 9:30 વાગે તેમની દીકરી સાથે પાન ખાવા જઈ રહ્યા હતા અને સિવિલ સર્કલ ખાતે વાઘેલાવાસનો વરઘોડો નીકળ્યો હતો. તે દરમિયાન વાઘેલાવાસમાં રહેતા ધીરજભાઈ વિનુભાઈ વાઘેલાએ જાતિ વિષયક અપશબ્દો બોલી ગેરવર્તન કર્યું હતું.
ત્યારબાદ અવારનવાર ધીરજભાઈ ઝઘડો ફરવાના આશયથી પ્રયત્નો કરતા રહ્યા હતા. તા.21-12-22 ના રોજ ઉત્પલકુમાર રાત્રે 9:30 વાગે નોકરી પરથી ઘેર જઈ રહ્યા હતા તે દરમિયાન ધીરજ વિનુભાઈ વાઘેલા અને અન્ય બે શખ્સો રસ્તામાં મળતાં ફરીથી જાતિ વિષયક શબ્દો બોલી પોલીસમાં ગમે તેવી ઓળખાણ હોય તો પણ તું મારું કંઈ કરી શકે તેમ નથી તેવું કહી અપશબ્દો બોલવા માંડતા ઉત્પલ કુમાર ઘેર જતા રહ્યા હતા.
રાત્રે 10:45 વાગે ટોળાએ ઘર પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેમાં રહેતા લોકોના વાહનોને પણ નુકસાન થયું હતું. તેમના ઘરની નજીકમાં રહેતા કૈલાશબેન સંજયભાઈ વાઘેલા સનીકુમાર નરેશભાઈ રાઠોડ વસંતભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાને ઇજાઓ થઈ હતી. ધીરજ વિનુભાઈ વાઘેલા વિકી જગદીશભાઈ વાઘેલા હિમાંશુ બંસીભાઈ વાઘેલા રાહુલ બંસીભાઈ વાઘેલા જેકી વાઘેલા કિશન ડબગર અને સાગર ડબગર વિરુદ્ધ એટ્રોસિટી રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.
ધીરજકુમાર વિનુભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી હતી કે તા. 11-12-22 ના રોજ તેમના ભત્રીજાનું લગ્ન હોય વરઘોડો નીકળ્યો હતો તે દરમિયાન ઉત્પલ કુમાર સુરેશભાઈ વાઘેલા એક્ટિવા લઈને નીકળતા એક્ટિવા અડી જતાં જોઈને ચલાવવાનું કહેતા ઉત્પલ કુમારે બોલાચાલી કરી હતી.
ધીરજકુમાર તેમના મિત્રો સાથે બેઠેલા હતા ત્યારે ઉત્પલ કુમાર સુરેશભાઈ વાઘેલા અને બીજા પંદરેક માણસો આવી ભત્રીજાના લગ્નના દિવસે કેમ મને ગમે તેમ બોલતો હતો તેમ કહી મારવા લાગ્યા હતા. વિશાલ વિજયભાઈ વાઘેલા અને રૂપેશકુમાર કિશોરભાઈ વાઘેલા બચાવવા વચ્ચે પડતાં તેમને પણ માર માર્યો હતો ધમકીઓ આપતા ગયા હતા.
તેમના ફળિયા પાસે જઈ પથ્થરમારો કરતાં વાહનોને પણ નુકસાન થયું હતું. ધીરજ કુમારની ફરિયાદ ને આધારે બી ડિવિઝન પોલીસે ઉત્પલકુમાર સુરેશભાઈ વાઘેલા અને બીજા પંદરેક માણસોના ટોળાં વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

