પોરબંદર-છાંયા નગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં અનઅધિકૃત રીતે ચાલતા બાંધકામો સામે લાલ આંખ કરવામાં આવી છે. પાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતા બાંધકામોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. પાલિકાના તમામ ૧૩ વોર્ડમાં આ સર્વે હાલ ચાલુ રાખવામાં આવશે.
પોરબંદર-છાંયા નગરપાલિકાના સુત્રોના જણાવ્યા મુજબ નગરપાલિકામાં સમાવિષ્ટ કોઇ પણ વિસ્તારના લોકોએ નિયમ અનુસાર પરવાનગી મેળવીને જ મંજુર થયેલા પ્લાન મુજબ બાંધકામ કરવાનું રહેશે. જો આ નિયમનું પાલન કરવામાં નહીં આવે તો પાલિકા દ્વારા સર્વે દરમિયાન પરવાનગી વગર ચાલતા બાંધકામો સામે સીલ મારવાની તથા જરૂર પડ્યે બિલ્ડીંગ મટીરીયલ કબ્જે લેવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે હેતુથી કાયદેસરની પરવાનગી મેળવ્યા બાદ જ બાંધકામ કરવાનું નગરપાલિકા દ્વારા જણાવાયું છે.
પોરબંદર નગરપાલિકા દ્વારા તાજેતરમાં વોર્ડ નં.૧માં અને વોર્ડ નં.૬માં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નં.૬માં પાલિકાની મંજુરી વગર ચાલતા બે બાંધકામને સીલ મારવામાં આવ્યા હતા. ઉપરાંત વોર્ડ નં.૧ના બોખીરા વિસ્તારમાં પણ અનઅધિકૃત બાંધકામનો સર્વે કરી વગર પરવાનગીએ ચાલતા બાંધકામ પૈકી એક બાંધકામને સીલ કરવામાં આવ્યું હતું.
પાલિકાના આ અભિયાનના પગલે શહેરમાં ગેરકાયદેસર રીતે બાંધકામના હાટડા ખોલીને બેઠેલા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.

You missed