એક તરફ, દેશના ઘણા રાજ્યો અને શહેરોમાં લોકો લગ્ન માટે છોકરીઓ પાસેથી ભારે દહેજની માંગ કરે છે, તો બીજી તરફ, ઘણી જગ્યાએ, લોકોને લગ્ન માટે છોકરીઓ નથી મળી રહી. તેનું મુખ્ય કારણ લિંગ ગુણોત્તરમાં અસમાનતા છે. લિંગ અસમાનતાનો મુદ્દો ઉઠાવીને, લગ્ન કરવા યોગ્ય યુવકોએ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં પોતાના માટે દુલ્હનની શોધમાં રેલી કાઢી.

એક સંગઠને બુધવારે ‘દુલ્હન મોરચા’નું આયોજન કર્યું હતું અને મહારાષ્ટ્રમાં લિંગ ગુણોત્તર સુધારવા માટે પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક (પ્રોહિબિશન ઑફ સેક્સ સિલેક્શન) (PCPNDT) એક્ટના કડક અમલની માગણી સાથે જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસને એક મેમોરેન્ડમ સોંપ્યું હતું.

મેમોરેન્ડમમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારે માર્ચમાં ભાગ લેનારા લગ્ન કરવા યોગ્ય યુવક માટે કન્યાની વ્યવસ્થા કરવી જોઈએ. વરની જેમ ઘણા યુવાનો ઘોડી પર બેસીને બેન્ડ વાજા સાથે જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસે પહોંચ્યા અને પોતાના માટે દુલ્હનની માંગણી કરી.

આ કાર્યક્રમનું આયોજન કરનાર જ્યોતિ ક્રાંતિ પરિષદના સ્થાપક રમેશ બારસ્કરે જણાવ્યું હતું કે, “લોકો આ મોરચાની મજાક ઉડાવી શકે છે પરંતુ વિકટ વાસ્તવિકતા એ છે કે લગ્ન કરવા યોગ્ય યુવકોને પોતાના માટે કન્યા મળી રહી નથી કારણ કે રાજ્યમાં સેક્સ રેશિયોમાં અસમાનતા વધુ છે.”

તેમણે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં લિંગ ગુણોત્તર દર 1,000 છોકરાઓ પર 889 છોકરીઓ છે. બારસ્કરે કહ્યું, “આ અસમાનતા કન્યા ભ્રૂણ હત્યાને કારણે છે અને સરકાર આ અસમાનતા માટે જવાબદાર છે.”

You missed