ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેકવિધ કાર્યક્રમો ચલાવવામાં આવે છે જેમાં મહિલાઓને કઈ તાલીમ જે તે જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ ઉપયોગી બનશે તેના પર વિશેષ ભાર મુકવામાં આવે છે. વલસાડ જિલ્લામાં વાંસનું પ્રમાણ વધુ હોવાથી તે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેમ હોવાથી વલસાડ જિલ્લાના પારડી તાલુકાના અંભેટી ગામમાં કાર્યરત કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હાલ 29 મહિલાઓને કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત વાંસમાંથી બનાવાયેલી ઘર સુશોભનની કલાકૃતિ અને રોજબરોજના જીવનમાં ઉપયોગી થઈ શકે તેવી વસ્તુઓ જેવી કે, ફૂલદાની, ટોપલી, લેટર બોક્સ, વોલ પીસ, હેંગિગ ફૂલદાની, નાઈટ લેમ્પ, પેન સ્ટેન્ડ, મોર, જહાજ, બળદ ગાડુ, સૂરજ, સિસોટી અને ફ્રુટ ટ્રે સહિતની વસ્તુઓ બનાવવાની 2 મહિનાની તાલીમ સેન્ટરના ઈન્ચાર્જ ગમનભાઈ ગાંવિત અને કેવીકેના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિરના માર્ગદર્શનમાં ગુલાબભાઈ ખાંડરા અને જગદીશભાઈ ગાયકવાડ દ્વારા આપવામાં આવી રહી છે. બહેનો પોતાની કારીગરીની કમાલ વડે આકર્ષક ચીજ વસ્તુઓ બનાવે છે જે સખી મેળા તેમજ ડાંગ, વઘઈ અને વિલ્સન હિલ સહિત આદિવાસી વિસ્તારના પર્યટન સ્થળો ઉપર સહેલાણીઓ વાંસની પ્રોડક્ટ હોશે હોશે ખરીદી મહિલાઓને આત્મનિર્ભર બનવા માટેનું બળ પુરૂ પાડી તેઓની કલાને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. જે ખરેખર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલના મંત્રને હકીકતમાં ચરિતાર્થ કરે છે. પોતાની કમાણીથી એક્ટિવા પણ લીધી અને પરિવારને મદદ પણ કરુ છુઃ લાભાર્થી અનેક મહિલાઓ આ કાર્યક્રમ થકી પગભર બની રહી છે જે પૈકી અંભેટી ગામના ચંદાબેન પટેલે પોતાની સફળતાની ગાથા વર્ણવતા જણાવ્યું કે, આજથી 3 વર્ષ પહેલા કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમમાં વાંસમાંથી અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવવાની તાલીમ મેળવી હતી. રૂ. 100 થી લઈને રૂ. 500 સુધીની વાંસની પ્રોડક્ટ બનાવી તેના વેચાણથી દર મહિને અંદાજે રૂ. 5000 થી રૂ. 10000ની આવક થાય છે. જેની બચત કરી એક્ટિવા મોપેડ પણ ખરીદી છે અને પરિવારને પણ મદદરૂપ થઈ રહી છુ. હવે ફરી તાલીમ લઈ રહી છું જેના થકી હાલ બજારમાં જે પ્રોડક્ટની ડિમાન્ડ હોય તે મુજબની નવી નવી વસ્તુઓ બનાવતા શીખી રહી છું. રાજ્ય સરકાર દ્વારા બહેનોને રૂ. 5000 સ્ટાઈપેન્ડ પણ અપાશેઃ ગૃહ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિરે જણાવ્યું કે, સ્વ સહાય જૂથની બહેનો આર્થિક રીતે પગભર બની રોજગારી મેળવી શકે તે માટે તેઓને તાલીમ આપવી જરૂરી હોય છે, જેથી ગાંધીનગર રૂરલ ટેકનોલોજી સંસ્થામાં દરખાસ્ત કરતા તાલીમની મંજૂરી મળી છે. આ તાલીમના અંતે બહેનોને રાજ્ય સરકાર દ્વારા દ્વિમાસિક રૂ. 5000 સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.

You missed