સ્વચ્છતાને તમારા આચરણમાં એ રીતે અપનાવી લો કે તમારી આદત બની જાય’ આવા વિચારો સાથે આપણા મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતા ઉપર ભાર મૂક્યો હતો. પરંતુ ગાંધીજીએ જે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી તેના જૂના ટ્રસ્ટીઓને ગાંધીજીના વિચારોને અનુસરવામાં જાણે રસ જ ન હોય અને તેઓ રાજકારણમાં જ રચ્યાપચ્યા રહેતા હોય એમ લાગે છે, ત્યારે કુલપતિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની નિમણૂક થતાં તેમણે ટૂંકાગાળામાં જ વિદ્યાપીઠમાં ગંદકી સાફ કરવા માટે સ્વંય હાથમાં ઝાડુ લઈને સફાઈ અભિયાન હાથ ધરતા ત્રણ જ દિવસમાં આ સંસ્થામાંથી ૨૦ ટ્રક કચરો નીકળ્યો હતો. શહેરના આશ્રમ રોડ સ્થિત ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ કરી છે.

જ્યાંથી સ્વચ્છતાના બી રોપાયા છે, તે વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હવે સફાઈનો અભ્યાસ કરવા લોકભારતી-સણોસરા જશે. વિદ્યાર્થીઓ પાસેથી મળતી વિગતો મુજબ, કુલનાયકે વિદ્યાપીઠના દરેક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી (સી.આર.) સાથે બેઠક કરી જાહેર કર્યું હતુ કે, સણસોરાની સંસ્થામાં જઈ સફાઈ સહિતની બાબતો અભ્યાસ કરવાનો અને જે જરૂર જણાય તેવા સુધારા અહીં કરીશું. અત્રે નોંધનીય છે કે,નવા કુલપતિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સતત ત્રણ દિવસ સુધી સફાઈ અભિયાન હાથ ધરાવ્યું હતું. ત્રણ જેસીબી અને ટ્રેક્ટરોની મદદથી ૨૦ ટુક જેટલા કચરાનો નિકાલ કરાવ્યો હતો. શુક્રવારે જે સ્થળેથી કચરો ઉઠાવ્યો હતો તે સ્થળે તેમણે ફૂલ-ઝાડ વાવ્યાં હતાં. જોકે છેલ્લા બે-ત્રણ વર્ષથી વિદ્યાપીઠના ગ્રાઉન્ડની મરામત માટે વિદ્યાર્થીઓ રજૂઆત કરીને થાકી ગયા હતા. તે મરામતનું કામ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કુલપતિ તરીકેની નિમણૂકના ગણતરીના આ દિવસોમાં જ કરી બતાવ્યું. જેને વિદ્યાર્થીઓએ બિરદાવ્યું છે.

You missed