પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનકડા સિનાડ ગામની સરકારી પ્રાથમિક શાળાએ ગુજરાતને કોયલ કંઠી સિંગર આપી છે.દેશી લગ્ન ગીતો, લોકગીતો, માતાજીના ગીતો માટે ગુંજતું નામ એટલે કિંજલ રબારી. કલાકારની કારકિર્દીમાં તેની ગામની સરકારી પ્રાથમિક શાળાની મહત્વની ભૂમિકા રહી છે. શાળામાં શિક્ષકોએ આપેલા પ્રોત્સાહન થકી તેને સંગીતની દુનિયામાં રુચિ જાગી અને તે કલાકાર બની તેની ઉજ્જવળ કારકિર્દી બનાવી શકી છે.
આજે યુ ટ્યુબ પર 35થી વધુ લોકગીતો, લગ્ન ગીતો અને માતાજીના ગીતોના આલ્બમો કિંજલ રબારીના ગુંજી રહ્યા છે. સિંગર કિંજલ રબારી રાધનપુરના નાનકડા સિનાડ ગામની દીકરી છે તેણે ધો-1થી 8 સુધી ગામની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. આજ શાળામાં ભણતા તેમના મોટાભાઈ કિરણ રબારી શાળામાં ભજન ગાતા હતા. ત્યારે કિંજલે પણ શાળામાં ભજન ગાવાની ઇચ્છા દર્શાવતાં તેના મોટાભાઈએ શિવજીનું ભજન ગાવા માટે આપ્યું હતું.
ત્યારબાદ તેની ગીત સંગીતમાં રુચિ જાગી બાદમાં શાળાના શિક્ષકોએ પણ વિદ્યાર્થીનીને પ્રોત્સાહન આપ્યું હતું. શાળામાં કિંજલ સહિત બે ત્રણ બાળ કલાકાર દરરોજ પ્રાર્થના કે ગીત સંગીતની સ્પર્ધામાં અવશ્ય સહભાગી બનતી હતી. તેમનો કોન્ફિડન્સ વધે તે માટે શાળાના આચાર્ય તેજાભાઈ જાદવે શાળામાં સાઉન્ડ સિસ્ટમ વસાવ્યું હતું અને કિંજલબેન સહિતના વિદ્યાર્થીઓને સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી માઇક પર ગાવાનો અનુભવ મળ્યો અને ધીમે ધીમે ચડાવ ઉતાર બાદ કિંજલ રબારી ગુજરાતની ફેમસ લોક કલાકાર બની ગઇ. ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ તેમના પ્રોગ્રામો થયા છે.
કિંજલબેન ના મોટાભાઈ કિરણભાઈ રબારીએ જણાવ્યું કે કિંજલબેન રબારીની કલાકાર તરીકેની કારકિર્દીમાં ગામની પ્રાથમિક શાળા અને શિક્ષકો તેજાભાઈ જાદવ ભાવિકાબેન અને જીતુભાઈ સહિતના ગુરુજનોનો મોટો ફાળો છે. સાથે સંગીતની દુનિયામાં જાણીતા અમિતભાઈ વાયડ અને રજનીભાઈ ઠક્કરનો ખૂબ સહયોગ મળ્યો છે.
સિનાડ પ્રાથમિક શાળામાં યોજાયેલા તેજાભાઈ જાદવના વિદાય સમારંભમાં ઉપસ્થિત કિંજલબેન રબારીએ વિદ્યાર્થીકાળને યાદ કરતા જણાવ્યું હતું કે સાહેબે મને કહ્યું હતું કે તું ગાઇશ તો હું શાળામાં સાઉન્ડ સિસ્ટમ લાવું એટલે શાળા સમયથી જ ગાવાની શરૂઆત થઈ હતી.