અમદાવાદમાં સ્વચ્છતાને લઈને અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગંદકી જોવા મળતા દંડનાત્મક કાર્યવાહી કરવાથી લઈને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાત્રીના સમયે ખાણી-પીણીની બજારો દ્વારા જાહેર માર્ગો પર કચરો ઠાલવવામાં આવે છે. જે અંતર્ગત AMC દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવીને લારીઓ પર ચાલતા રેસ્ટોરન્ટ, હોટલ અને ફૂડ યુનિટ પાસેથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. જો ભવિષ્યમાં નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો લારીઓ જપ્ત કરવા અને યુનિટ સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં સ્વચ્છતા માટે કડક અમલ કરવામાં આવશે. આવનાર વર્ષના પ્રથમ મહિનામાં સ્વચ્છતા માટે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. અમદાવાદ શહેરની સ્વચ્છતામાં સુધારો કરવા અને સ્વચ્છતા રેન્કિંગમાં અમદાવાદ શહેરને નંબર વન રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. જાહેર માર્ગો પર કચરો ફેંકતા એકમો સામે લાલ આંખ કરી છે. એકમોને સીલ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
છેલ્લા એક સપ્તાહથી ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં જ બોડદેવમાં એક ખાણી-પીણી યુનિટ સીલ કરાયું હતું. આ સિવાય શહેરમાં કોમર્શિયલ યુનિટની બહાર કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને યુનિટને સીલ કરવામાં આવ્યું હતું.