આજના જ દિવસે દસ વર્ષ પહેલા 16 ડિસેમ્બર 2012ના રોજ દક્ષિણ દિલ્હીના મુનિરકા વિસ્તારમાં થયેલા ગેંગરેપે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. 23 વર્ષની છોકરી નિર્ભયા (નામ બદલ્યું છે) દક્ષિણ દિલ્હીના થિયેટરથી એક પુરુષ મિત્ર સાથે રાતનો ફિલ્મ શો જોઈને પરત ફરી રહી હતી. બંને મુનિરકા બસ સ્ટોપ પર ઓટોની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક બસ ત્યાં આવી, જેમાં બસ ડ્રાઈવર સહિત કુલ છ લોકો પહેલેથી જ સવાર હતા. તેમણે નિર્ભયા અને તેના મિત્રને બસમાં ચઢવા કહ્યું. આ લોકો બસમાં ચડી ગયા. બસના ડ્રાઈવરે બસને ખોટી દિશામાં ફેરવી લીધી અને તેના દરવાજા બંધ કરી દીધા.
જ્યારે નિર્ભયા અને તેના મિત્રએ તેનો વિરોધ કર્યો ત્યારે આ નરાધમોએ નિર્ભયાના મિત્રને લોખંડના સળિયાથી મારીને બેભાન કરી દીધો. આ નરાધમો નશામાં ધૂત હતા અને નિર્ભયા સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા. આ પછી તેમણે નિર્ભયા પર બળાત્કાર ગુજાર્યો. તેમાંથી એક સગીર ગુનેગારે બર્બરતાની તમામ હદો વટાવી દીધી. તેણે નિર્ભયાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી દીધો. આ પછી, ગુનેગારોએ ખરાબ રીતે ઘાયલ નિર્ભયા અને તેના મિત્રને અંધારી રાત્રે મહિપાલપુર પાસે ચાલતી બસમાંથી બહાર ફેંકી દીધા.
થોડા કલાકો પછી, જ્યારે દિલ્હી પોલીસને ઘટનાની માહિતી મળી, ત્યારે તેમણે નિર્ભયાને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરી. તેની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો, તો નિર્ભયાને સારવાર માટે સિંગાપોર મોકલવામાં આવી, પરંતુ નિર્ભયાને બચાવી ન શકાઈ અને 29 ડિસેમ્બર 2012ના રોજ તેનું મૃત્યુ થયું.
નિર્ભયાના મોત બાદ સમગ્ર દેશનું લોહી ઉકળી ઉઠ્યું અને ભારે વિરોધ પ્રદર્શનો થયા. આ પછી પોલીસે તમામ છ આરોપીઓને પકડી લીધા. આમાંના એક દોષિત રામ સિંહે જેલમાં ફાંસી લગાવીને જીવનનો અંત આણ્યો હતો. એક સગીર ગુનેગાર, જેની ઉંમર 18 વર્ષથી ઓછી હતી, તેને 3 વર્ષ માટે બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો. આ પછી આ ભયંકર ગુનેગાર મુક્ત થઈ ગયો.
5 મે 2017 ના રોજ, બાકીના ચાર આરોપીઓ મુકેશ સિંહ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરને કોર્ટે ફાંસીની સજા ફટકારી. 9 જુલાઈ 2018 ના રોજ, સુપ્રીમ કોર્ટે દોષિતોની પુનર્વિચાર અરજીને ફગાવીને તેમની ફાંસીનો નિર્ણ્ય યથાવત રાખો. 20 માર્ચ 2020 ના રોજ, નિર્ભયા ગેંગરેપના તમામ દોષિતોને ફાંસી આપી દેવામાં આવી.
નિર્ભયાના મોત બાદ દેશભરમાં લોકોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યા અને ગુનેગારોને સજા મળે તેવી માંગ કરી. સતત વિરોધ અને વધતા દબાણને કારણે તત્કાલીન મનમોહન સિંહ સરકારે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જે.એસ. વર્માના નેતૃત્વમાં 3 સભ્યોની સમિતિની રચના કરી. સમગ્ર દેશમાંથી સૂચનોના આધારે તૈયાર કરાયેલ વર્મા સમિતિનો અહેવાલ 2013માં પસાર થયેલા ‘ક્રિમિનલ લૉઝ (સુધારા) અધિનિયમ’ માટેનો આધાર બન્યો, જેને નિર્ભયા એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નવા કાયદા હેઠળ બળાત્કારની સજા સાત વર્ષથી વધારીને આજીવન કેદ કરવામાં આવી છે. જો કે, આ સમિતિએ ફાંસીની સજાની ભલામણ કરી નથી.
નિર્ભયાની માતાએ તેની પુત્રી માટે લડી લાંબી કાનૂની લડાઈ
નિર્ભયાના માતા-પિતાએ અપરાધીઓને ફાંસીના માંચડે ચઢાવીને તેમની પુત્રીને ન્યાય અપાવવા માટે સતત પ્રયાસો કર્યા. જ્યારે તેમણે ન્યાય માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા ત્યારે તેમને આશા હતી કે જે દીકરી માટે આખો દેશ રસ્તા પર ઊભો છે તેને જલ્દી ન્યાય મળશે. પરંતુ તેમ ન થયું. નિર્ભયાને ન્યાય મળવામાં સતત વિલંબ થતો રહ્યો. બળાત્કારીઓને ફાંસીના માંચડે પહોંચતા સાત વર્ષથી વધુ સમય લાગ્યો. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે જઈને આ શક્ય બન્યું. જ્યારે વારંવાર ફાંસી મુલતવી રાખવામાં આવી, ત્યારે નિર્ભયાની માતા આશા દેવીએ સમગ્ર સિસ્ટમ પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ તેમનો સંઘર્ષ ચાલુ રાખ્યો હતો.
નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવામાં આવ્યા બાદ નિર્ભયાની માતા આશા દેવીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે કાયદાકીય લડાઈની આ સફર ભલે મુશ્કેલ હતી, પરંતુ અમે હાર ન માની અને નક્કી કર્યું કે અમારે આ કાનૂની લડાઈ લડવી જ છે અને અંતે અમે જીતી ગયા. તેમણે કહ્યું કે મેં મારી દીકરીની તસવીરને ગળે લગાવીને કહ્યું કે આખરે તને ન્યાય મળી ગયો.
નિર્ભયા કેસમાં ક્યારે- શું થયું?
3 જાન્યુઆરી, 2013ના રોજ પોલીસે પાંચ પુખ્ત દોષિતો સામે કેસ નોંધ્યા પછી ચાર્જશીટ દાખલ કરી. 17 જાન્યુઆરી, 2013ના રોજ ફાસ્ટ ટ્રેક કોર્ટે પાંચ દોષિતો સામે આરોપો ઘડ્યા. 11 માર્ચ, 2013ના રોજ મુખ્ય ગુનેગાર રામ સિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી. 13 સપ્ટેમ્બર, 2013ના રોજ ફાસ્ટ ટ્રેક કોર્ટે બાકીના ચાર દોષિતોને ફાંસીની સજા સંભળાવી. જ્યારે સગીર આરોપીને ત્રણ વર્ષ માટે બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો. 13 માર્ચ, 2014ના રોજ દિલ્હી હાઈકોર્ટે ચારેય દોષિતોની ફાંસીની સજા યથાવત રાખી.
15 માર્ચ, 2014ના રોજ સુપ્રીમ કોર્ટે દોષિતોની ફાંસી પર રોક લગાવી. 27 માર્ચ, 2016ના રોજ સુપ્રીમ કોર્ટે દોષિતોની અરજી પર ચુકાદો અનામત રાખ્યો.
5 મે, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે ચારેય દોષિતોની ફાંસીની સજા યથાવત રાખી. 9 નવેમ્બર, 2017ના રોજ દોષિતોમાંથી એક, મુકેશે ફાંસીની સજાને યથાવત રાખવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરી, જેને ફગાવી દેવામાં આવી.
18 ડિસેમ્બર 2019ના રોજ દોષિત અક્ષય ઠાકુરની સમીક્ષા અરજી ફગાવી દેવામાં આવી. 7 જાન્યુઆરી 2020ના રોજ દિલ્હી કોર્ટે પ્રથમ ડેથ વોરંટ જારી કર્યું. આ ડેથ વોરંટ મુજબ તમામ દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે 7 વાગે તિહાર જેલમાં ફાંસી આપવામાં આવનાર હતી. 14 જાન્યુઆરી 2020ના રોજ સુપ્રીમ કોર્ટે દોષિતો વિનય અને મુકેશની ક્યૂરેટિવ પિટિશન ફગાવી દીધી. આ પછી મુકેશે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી દાખલ કરી. 17 જાન્યુઆરી, 2020ના રોજ દિલ્હી કોર્ટે બીજું ડેથ વોરંટ જારી કર્યું, જેમાં ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવાની વાત કહેવામાં આવી.
25 જાન્યુઆરી 2020ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ મુકેશે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. 28 જાન્યુઆરી 2020ના રોજ તમામ દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો. 29 જાન્યુઆરી 2020ના રોજ સુપ્રીમ કોર્ટે મુકેશની અરજી ફગાવી દીધી અને અક્ષયે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી.
30 જાન્યુઆરી 2020ના રોજ સુપ્રીમ કોર્ટે અક્ષયની ક્યુરેટિવ પિટિશન ફગાવી દીધી. 31 જાન્યુઆરી, 2020ના રોજ દોષિત પવને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું કે તે ગુના સમયે સગીર હતો, પરંતુ કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી. 1 ફેબ્રુઆરી 2020ના રોજ સુપ્રીમ કોર્ટે દોષિત વિનયની અપીલને ફગાવી દીધી. 5 ફેબ્રુઆરી 2020ના અક્ષયની દયા અરજી પણ ફગાવી દેવામાં આવી.
11 ફેબ્રુઆરી 2020ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ વિનયે ફરીથી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. 14 ફેબ્રુઆરી 2020ના રોજ સુપ્રીમ કોર્ટે વિનયની અપીલ ફગાવી દીધી. 17 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હી કોર્ટે ત્રીજું ડેથ વોરંટ જારી કર્યું. આ વોરંટમાં તમામ ગુનેગારોને 3 માર્ચે સવારે 6 વાગ્યે ફાંસી આપવાનું કહેવામાં આવ્યું હતું. 28 ફેબ્રુઆરી 2020ના રોજ પવને સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી.
2 માર્ચ, 2020ના રોજ સુપ્રીમ કોર્ટે પવનની ક્યુરેટિવ પિટિશનની અપીલને ફગાવી દીધી. આ પછી તેણે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી. 5 માર્ચ, 2020ના રોજ કોર્ટે તમામ દોષિતો સામે ચોથું વોરંટ જારી કર્યું. આ ડેથ વોરંટમાં તમામ દોષિતોને 20 માર્ચે સવારે 5.30 વાગ્યે ફાંસી આપવાનું કહેવામાં આવ્યું હતું. 19 માર્ચ, 2020ના રોજ દોષિતોના વકીલે પહેલા મધ્યરાત્રિએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો, પછી સુપ્રીમ કોર્ટમાં ગયો. બંને જગ્યાએથી અરજી ફગાવી દેવામાં આવી હતી. 20 માર્ચ, 2020ના રોજ નિર્ભયા ગેંગરેપના તમામ દોષિતોને સવારે 5.30 વાગ્યે ફાંસી આપવામાં આવી.