ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સની ટીમ સતત બીજી વખત ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી છે. કતારમાં રમાઈ રહેલા વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી હરાવ્યું હતું. આ સાથે આફ્રિકન ટીમ મોરોક્કોનું પહેલીવાર ફાઇનલમાં પહોંચવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું.

હવે ફ્રાન્સની ટીમ સતત બીજું અને એકંદરે ત્રીજું ટાઇટલ જીતવા માટે ફાઇનલમાં આર્જેન્ટિના સામે ટકરાશે. આર્જેન્ટિનાની આ ટીમનો કેપ્ટન લિયોનેલ મેસ્સી છે. હવે FIFA વર્લ્ડ કપ 2022ની ફાઈનલ 18 ડિસેમ્બરે ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાશે.

ફ્રેન્ચ ટીમ સતત બીજી ફાઇનલમાં

આ મેચ જીતીને ફ્રાન્સની ટીમે સતત બીજી વખત અને એકંદરે ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા ફ્રાન્સ ત્રણ વખત ફાઈનલ રમ્યું હતું, તેણે 1998 અને 2018માં બે વખત ટાઈટલ જીત્યું હતું, જ્યારે 2006માં તે રનર્સઅપ રહી હતી. ફ્રાન્સની ટીમ બે વખત ત્રીજા નંબરે અને એકવાર ચોથા નંબર પર પણ રહી છે. આ વખતે ફ્રાન્સની ટીમ કુલ સાતમી વખત ટોપ-4માં પહોંચી છે.

મોરક્કન ટીમનું ઈતિહાસ રચવાનું સપનું ચકનાચૂર થયું

બીજી તરફ મોરક્કોની ટીમ પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી હતી. સેમિફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ આફ્રિકન ટીમ પણ છે. જો મોરોક્કન ટીમ સેમીફાઈનલ જીતી ગઈ હોત તો એ મોટો ઉલટફેર કરતા ફાઈનલ રમનારી પ્રથમ આફ્રિકન ટીમ બનીને ઈતિહાસ પણ રચી શકી હોત. જોકે તેનું આ સપનું હાર સાથે ચકનાચૂર થઈ ગયું છે.

You missed