સેન્ટ્રલ મુંબઈના કરી રોડ વિસ્તારમાં આવેલી બહુમાળી રહેણાંક ઇમારત વન અવિઘ્ના પાર્કમાં આજે 15 ડિસેમ્બરે સવારે આગ ફાટી નીકળી હતી. BMC અધિકારીના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે લગભગ 10.45 વાગ્યે કરી રોડ સ્થિત એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી.
નાગરિક અધિકારીઓએ જણાવ્યું કે તે લેવલ-વન આગ છે. BMCએ જણાવ્યું કે, આ ઘટના ‘વન અવિઘ્ના પાર્ક’માં બની હતી, જે કરી રોડ સ્થિત એક રહેણાંક ઇમારત છે. નાગરિક સંસ્થાના જણાવ્યા અનુસાર, મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) એ સવારે 11 વાગ્યે લેવલ વન આગ જાહેર કરી હતી.
બીએમસીના જણાવ્યા અનુસાર આ ઘટનાની જાણ મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આ આગને કાબુમાં લેવાના પ્રયાસો ચાલુ છે. ઘટનાસ્થળે MFB, પોલીસ, બેસ્ટ, વોર્ડ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ સહિતની એજન્સીઓ હાજર છે.
ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, ‘ઓછામાં ઓછા પાંચ ફાયર એન્જિન અને વોટર જેટ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે.’ અધિકારીએ કહ્યું, ‘અત્યાર સુધી, આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.’
કેટલાક લોકોના જણાવ્યા અનુસાર, આ જ રહેણાંક કોમ્પ્લેક્સમાં આ બીજી વખત આગ લાગી છે. ઓક્ટોબર 2021માં, આ જ રહેણાંક સંકુલના 19મા માળે એક ફ્લેટની અંદર એક મોટી આગ લાગી હતી, જેમાં અન્ય લોકોને બચાવતા 30 વર્ષીય સુરક્ષા ગાર્ડનું મૃત્યુ થયું હતું.