આ નાણાકીય વર્ષ (2022-23)માં ફિસ્કલ ડેફિસિટનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ આશા વ્યક્ત કરી છે. તેમણે બુધવારે (14 ડિસેમ્બર) લોકસભામાં અનુદાન માટેની પૂરક માંગ પર ચર્ચા દરમિયાન આ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ સ્પષ્ટપણે દર્શાવે છે કે બજેટમાં અમારા દ્વારા નિર્ધારિત લક્ષ્ય (ફિસ્કલ ડેફિસિટ) હાંસલ કરવામાં આવશે. સરકારે આ નાણાકીય વર્ષમાં ફિસ્કલ ડેફિસિટ માટે 6.4 ટકાનો ટાર્ગેટ રાખ્યો છે. આનો અર્થ એ થયો કે આ નાણાકીય વર્ષમાં સરકારની ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 6.4 ટકાથી વધુ નહીં થાય. નાણામંત્રીએ ગયા બજેટમાં આ લક્ષ્યની જાહેરાત કરી હતી.
રેવન્યુ કલેક્શનમાં સારી વૃદ્ધીનો મળ્યો લાભ
નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં ફિસ્કલ ડેફિસિટ જીડીપીના 6.4 ટકા રહેશે, જે રાજકોષીય કંસોલિડેશન માટે સરકારના પ્રયાસોને અનુરૂપ છે. તેમણે એમ પણ કહ્યું કે આવકમાં સારા વધારાથી સરકાર માટે સ્થિતિ સરળ બની છે. વાસ્તવમાં છેલ્લા ઘણા મહિનાઓથી GST કલેક્શનમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે. આના કારણે સરકારના નાણાકીય સ્વાસ્થ્ય અંગેનું દબાણ અમુક અંશે ઓછું થયું છે.
ઇનફ્લેશન RBIના ટાર્ગેટની અંદર આવી
નવેમ્બરના ફુગાવાના આંકડાને ટાંકીને નાણામંત્રીએ કહ્યું કે રિટેલ ફુગાવો ફરીથી આરબીઆઈની નિર્ધારિત મર્યાદામાં આવી ગયો છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો 21 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. વાસ્તવમાં છેલ્લા બે મહિનામાં રિટેલ ફુગાવામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. સરકાર અને ભારતીય રિઝર્વ બેંક માટે આ મોટી રાહતની બાબત છે.
બજેટમાં મૂડીખર્ચ વધારવા પર ધ્યાન આપવામાં આવશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટ નાણાકીય વર્ષ 2023-24 માટે હશે. એવી અપેક્ષા છે કે સરકાર આ બજેટમાં મૂડી ખર્ચ વધારવા માટે પગલાં લેશે. આ નાણાકીય વર્ષના બજેટમાં સરકારે મૂડી ખર્ચ માટે 7.5 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ બજેટ અંદાજ કરતાં 35 ટકા વધુ છે, જ્યારે 2021-22ના સુધારેલા અંદાજ કરતાં 24 ટકા વધુ છે. નાણામંત્રીએ કહ્યું કે આ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મૂડી ખર્ચના ટાર્ગેટના લગભગ 55 ટકા હાંસલ કરવામાં આવ્યા છે.
ઇન્ડિયન ઇકોનોમીની ગ્રોથ દુનિયામાં સૌથી વધુ
આ વર્ષે G20 દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. જો કે, આગળ જતાં આ વૈશ્વિક અર્થતંત્રને મંદીના ભય અને નાણાકીય સ્થિતિમાં ફેરફારને કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જોકે, એવી ધારણા છે કે આરબીઆઈ આવતા વર્ષની શરૂઆતમાં વ્યાજદરમાં વધારો કરવાનું બંધ કરી શકે છે. આ વર્ષના મે મહિનાથી તે સતત વ્યાજ દરમાં વધારો કરી રહ્યો છે. તેનું કારણ ઝડપથી વધી રહેલી મોંઘવારી છે.