પોરબંદરના બગવદર વિસ્તારના સોઢાણા ગામ માંથી તાજેતરમાં નવજાત મૃત બાળકી મળી આવ્યાની ફરીયાદ નોંધાયા પછી પોલીસે ગણતરીના દિવસમાં મૃતબાળકીનો ભેદ ઉકેલ્યો હતો. સગીરવયની બાળાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અવાર નવાર દુષ્કર્મ ગુજારી કુવારી માતા બનાવ્યાનો પર્દાફાશ થતાં પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સોઢાણા ગામના બ્રાહ્મણ ફળીયાના નાકે રસ્તા ઉપર એક તાજુ જન્મેલ બાળક પડેલ ગ્રામજનોને મળી આવેલ હતું. જે બાળક જોતા સ્ત્રી જાતીનું અને મૃત હાલતનું હોય,અને આ બાળકને હાથ-પગ શ્વાનોએ ફાડી ખાધેલ હોવાથી તે ગામના સરપંચના પતિ અરભમભાઇ દુદાભાઇ કારાવદરાએ આ બાળકને રીક્ષાવાળા ભરતભાઇ નાગાભાઇ ઓડેદરાની સાથે પોરબંદરની ભાવસહજી હોસ્પિટલમાં ખસેડી આ અંગે બગવદર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આથી બગવદર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.બી.દેસાઇ તથા પ્રો.પી.આઇ. એમ.એન.ભડેલીયાની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુપ્તરાહે તપાસનો દૌર આરંભ્યો હતો. દરમ્યાન ગુપ્ત બાતમીદારો દ્વારા પો.કોન્સ. જયમલભાઇ સામતભાઇ મોઢવાડીયા તથા ગ્રામ્ય ડી.વાય.એસ.પી.કચેરીના પો.કો. દુલાભાઇ લખમણભાઇ ઓડેદારાની સંયુકત બાતમીના આધારે શોધખોળ કરતા ગણતરીના દિવસોમાં આ અજાણ્યુ તાજુ જન્મેલ મૃત બાળકની માતા (ઉ.વ.૧૪)વાળીને શોધી કાઢીને પ્રશ્સનીય કામગીરી કરેલ છે.
દરમ્યાન પી.એસ.આઇ. દેસાઇએ તેમની આગવી સ્ટાઇલથી તરૂણીની પૂછપરછ કરી તેમનું નિવેદન લેતા તરૂણી મઘ્યપ્રદેશના રતલામ જિલ્લામાં ચવરા ગામ લાલગુહાડી પંચાયત પાસે રહેતા ભેરૂલાલ પુંજા ખરાડીની પુત્રી હોવાનું અને હાલ સોઢાણા ગામે રામદે રામાભાઇ કારાવદરાની વાડીએ મજુરી કામ માટે આવ્યાં હોવાની બાબત વર્ણવી હતી. દરમિયાન તે વિસ્તારમાં મઘ્યપ્રદેશથી તેમના ગામના જ બબલુ હરજી ગરવાલ સાથે પ્રેમ સબંધ બંધાયા પછી તરૂણી પર તેની ઇચ્છા વિરૂઘ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હોવાની બાબતો પોલીસને જણાવી હતી.
તરૂણી કુવારી માતા બની હોવાનું અને ત્યારપછી તરૂણીએ જન્મ આપેલ બાળકીને સોઢાણા ગામે તરછોડી દીધાની હકિકત પ્રકાશમાં આવતા પોલીસે આ બનાવ અંગે ચવરા ગામના ભેરૂલાલ પુંજા ખરાડીએ તેજ ગામના અને હાલ સોઢાણા ગામે રહેતા બબલુ હરજી ગરવાલ વિરૂઘ્ધ પોતાની પુત્રી પર બળજબરીથી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ નોંધાવતા રાણાવાવ સર્કલ પોલીસ ઇન્સ્પેકટર વી.કે. ગોલવેલકરના નેજા હેઠળ આ અંગે આઇપીસી ૩૭૬ (ર) (જે), ૩૭૬ (૩), પોકસો અને ૨૦૧૨ મુજબની કલમ ૪, ૬, ૮, મુજબ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પ્રો.પી.આઇ.એમ.એન. ભડેલીયા, પી.એસ.આઇ. એ.બી.દેસાઇ તથા હેડ કોન્સ. બી.ડી.ગરચર, જે.જે.ઓડેદરા, પો.કોન્સ. જયમલ સામતભાઇ મોઢવાડીયા, દુલાભાઇ લખમણભાઇ ઓડેદરા, અશ્વિનાબેન એમ.જાની, અ.લો.ર મસરીભાઇ ચેતરીયા વિગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

