શહેરના જંકશન વિસ્તારમાં દિન દહાડે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પાનના વેપારીએ મફત પાન આપવાની ના પાડતા વેપારીને માર મારી દુકાનમાં તોડફોડ કરી રોકડ રકમની લૂંટ ચલાવી છે. પોલીસને જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંકશન વિસ્તારમાં કો – ઓપરેટિવ સોસાયટીમાં રહેતા અને ઘર પાસે જ વિદ્યાસાગર પાનની દુકાન ધરાવતા લખમણભાઈ જેઠાનંદભાઈ ભક્તાણી નામના 44 વર્ષના આધેડ આજ રોજ પોતાની દુકાને હતા ત્યારે પાર્થ ઉર્ફે જાબલી સહિતના ત્રણ શખ્સોએ મફતમાં પાન માગ્યું હતું. જે બાબતે પાનની દુકાનના માલિક લખમણભાઈ ભક્તાણીએ ના પાડતા ઉશ્કેરાયેલા પાર્થ ઉર્ફે જાબલી સહિત ત્રણેય શખ્સોએ વેપારી પર હુમલો કરી દુકાનમાં તોડફોડ કરી હતી. એટલું જ નહિ પરંતુ આ ત્રણેય શખ્સોએ રોકડા રૂ.1500 થી 2000ની લૂંટ પણ ચલાવી હોવાનું લખમણભાઈએ જણાવ્યું હતું. હુમલામાં ઘવાયેલા પાનના ધંધાર્થી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાની જાણ થતાં પ્રદ્યુમનનગર પોલીસ મથકનો સ્ટાફ જંકશન ખાતે દોડી જઇ કાર્યવાહી હાથધરી છે.

You missed