Gujarati NewsLocalGujaratValsadDistrict Election Officer Kshipra Agre Flagged Off Beach Marathon In Tithal, Valsad For Assembly Election 2022 Voting Awareness.
વલસાડએક કલાક પહેલા
કૉપી લિંક
ભારતના ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણી આગામી ડિસેમ્બર 2022ના SVEEP કેલેન્ડર મુજબ મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે મતદારોમાં મતદાન જાગૃતિ કેળવવા તા.23-11-2022ના રોજ સવારે 7 કલાકે વલસાડના તિથલ બીચથી સ્વામિનારાયણ મંદિર સુધી બીચ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.
વલસાડના તિથલ દરિયા કિનારે રહેતા લોકો મતદાન કરવા માટે જાગૃત થાય અને તા. 1 ડિસેમ્બરના રોજ વધુમાં વધુ મતદાન કરે એવા શુભ આશય સાથે મતદાન જાગૃતિના બેનર સાથે આ બીચ મેરેથોન યોજાઈ હતી. જેના થકી લોકો સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. મેરથોનમાં સામેલ ફર્સ્ટ ટાઈમ વોટર એવા કોલેજના તમામ વિદ્યાર્થીઓને મોબાઈલમાં VALSAD -DEO એપ ડાઉનલોડ કરાવી વોટરના પોલિંગ બુથ વિશે સમજ આપી પોતે તેમજ આસપાસના નાગરિકોને લોકશાહીમાં મતદાન કરાવવા જણાવ્યું હતું.
આ મેરેથોનમાં રમત ગમતમાં રસ ધરાવતા વલસાડની કોલેજ અને શાળાઓના વિદ્યાર્થીઓ, જિલ્લાના વ્યાયામ શિક્ષકો, એન.સી.સી.ના વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ તેમજ જુદી જુદી શાળા અને સંસ્થાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેઓએ મેરેથોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ બીચ ઉપર ઉપસ્થિત નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા. બીચ મેરેથોનનું આયોજન વલસાડ જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ પી. નાડોદા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક બિપિનભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, મતદારોમાં મતદાન માટે જાગૃત્તિ આવે અને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વની ખરા અર્થમાં ઉજવણી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃત્તિ પ્રદર્શન, સાયકલ/બાઈક રેલી, વિદ્યાર્થીઓ દ્વારા પરિવારને મતદાન માટે પત્ર, સિગ્નેચર ડ્રાઈવ અને આશાવર્કર, સખી મંડળ અને આંગણવાડી વર્કરો દ્વારા મતદાન જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો હાથ ધરાઈ ચૂક્યા છે.
અન્ય સમાચારો પણ છે…